ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ જતા લોકો ભારે
પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 43થી 44
ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે તેવા સંજોગોમાં ભારત હવામાન વિભાગએ પણ આગામી દિવસોમાં
ગરમી વધવાની ચેતવણી આપી છે. જોકે, આ કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે
આવ્યા છે. આઇએમડીની આગાહી મુજબ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું
આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે
છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ અનુસાર, ચોમાસાની શરૂઆત વહેલી થવાના સંકેતો
મળી રહ્યા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું સૌથી પહેલા પહોંચે છે. આ વખતે અનુમાન
છે કે, 18થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. અત્યારે વેધર મોડલ્સ દર્શાવે છે કે
હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો ઝડપી થઈ રહ્યા છે, જે બંગાળની ખાડી અને આંદામાન
સમુદ્ર પર બની રહ્યા છે. આ પવનોને કારણે તે સમયે આ વિસ્તારોમાં સામાન્ય કરતા 30થી 60 મીમી
વધુ વરસાદ પડી શકે છે.
આંદામાનની ઉત્તરે એક ટ્રોપિકલ સિસ્ટમ (ભેજ ખેંચતી અને વરસાદની પ્રક્રિયા ઝડપી બનાવતી)
બનવાની 20થી 40 ટકા શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી સિસ્ટમો સામાન્ય રીતે ચોમાસાને
આગળ વધારવામાં મદદ કરે છે. ત્યારબાદ 25 મેથી 1 જૂન વચ્ચે ચોમાસું વધુ આગળ વધવાની
સંભાવના છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર તેજ પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે,
જે ભેજને સીધો ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ લઈ જશે. આનાથી કેરળ અને તમિલનાડુના દક્ષિણ
ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.
દક્ષિણ ભારત માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંના ઘણા વિસ્તારો ખેતી અને પાણી
માટે ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ વહેલો થશે તો લોકોને ગરમીથી રાહત મળશે અને ખેતીકામ
પણ સમયસર શરૂ થઈ શકશે. હવામાન પર અસર કરતા કેટલાક મોટા પરિબળો પણ આ વખતે
ચોમાસાની તરફેણમાં દેખાય છે. આમાંનું એક છે ઈન્ડિયન ઓશન ડાયપોલ. જ્યારે હિંદ મહાસાગરના
પશ્ચિમ ભાગનું પાણી પૂર્વ ભાગ કરતા ગરમ હોય છે, ત્યારે તેને પોઝિટિવ આઇઓડી કહેવામાં આવે છે.
આવી સ્થિતિમાં ભારત તરફ વધુ ભેજ આવે છે અને ચોમાસું સામાન્ય રીતે મજબૂત બને છે. આ વખતે
અનુમાન છે કે આઇઓડી ચોમાસાની તરફેણમાં રહી શકે છે.



