દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાની સમુદ્રી સરહદે બેઠેલા કોટેશ્વર મહાદેવ મંદિરે દરિયો મહાદેવ પર જળાભિષેક કરે છે. ત્યારે બીજી કોર મંદિરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જવાનોએ પોતાના બેન્ડના તાલે મહાદેવની આરતીમાં જોડાયા હતા.
સરહદી વિસ્તાર હોવાથીસીમા સુરક્ષા બળના જવાનો પણ અહીં ચોવીસ કલાક તૈનાત રહે છે. ત્યારે આ પવિત્ર માસ દરમિયાન મહાદેવની આરાધનામાં સૈન્ય જવાનો પણ જોડાય છે. તેમાં પણ સંધ્યા આરતી સમયે મંદિરના મહંતના શંખનાદ સાથે બીએસએફ જવાનોએ પોતાના બેન્ડ સાથે સંગીત રેલાવી મહાદેવની આરતીમાં ચાર ચાંદ લગાડ્યા હતા. આ આરતીને જીવંત નિહાળનાર ભાવિકોએ કહ્યું હતું કે જ્યારે એકતરફ ઓમ નમઃ શિવાયના નાદ સાથે કોટેશ્વર મહાદેવની આરતી થઈ રહી હોય અને બાજુમાં બીએસએફ જવાનો પણ દેશભક્તિના ગીતોનું સંગીત રેલાવી રહ્યા હોય ત્યારે શિવભક્તિ અને દેશભક્તિની લાગણીઓ એક જ સમયે ઉમટે છે અને એ ક્ષણ અવિસ્મરણીય બની રહે છે.
ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બીએસએફ જવાનો ઠેર ઠેર બેન્ડ શો યોજી રહ્યા છે. સ્વાતંત્ર્ય દિવસે ભુજ મધ્યે આ બેન્ડ શો યોજાયો હતો તો હાલ શ્રાવણ માસનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે ત્યારે લખપતના કોટેશ્વર મહાદેવ ઉપરાંત નારાયણ સરોવર ખાતે પણ બીએસએફ જવાનો સંધ્યા આરતી સમયે બેન્ડ સાથે જોડાયા હતા.