અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંચવટી પરિમલ ગાર્ડન પાસેથી બે ડ્રગ્સ પેડલરોને 19.900 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વટવાનો શાહિદ ઉર્ફે રાજા બિલ્લી શેખ અને નવરંગપુરાનો ફૈઝલ શેખ એલિસ બ્રિજ પરિમલ ગાર્ડન પાસે પંચવટી તરફ જતા ફૂટપાટ પર ભેગા થવાના છે. જ્યાં ફૈઝલ શેખ શાહીદ ઉર્ફે રાજા બિલ્લીને પોતાના ધંધા માટે મંગાવેલો એમડી જથ્થો લાવી આપનાર છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસને 19.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
આરોપી શાહિદ ઉર્ફે રાજા બીલ્લી અને ફૈઝલ શેખ ભેગા મળી છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોનનો જથ્થો વોન્ટેડ આરોપી દાણીલીમડાના રહેવાસી શાબાસ ખાન ઉર્ફે ટીપુ પઠાણ પાસેથી લાવી અમદાવાદ શહેરમાં વેચાણ કરે છે. આરોપી ફૈઝલ શેખ ડ્રગ્સનો જથ્થો શાબાસ ખાન પઠાણ પાસેથી લાવીને શાહિદ ઉર્ફે રાજા બિલ્લીને આપવા માટે આવ્યો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો છે.