ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે સિનિયર સિટીઝન માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર સિટીજનો માટે અલગથી વ્યવસ્થા કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલમાં વોર્ડમાં સિનીયર સિટીજન માટે અલગથી 2 બેડ રિઝર્વ રખાશે. મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ પણ ફાળવવામાં આવશે. સિનીયર સિટીજનોને કોઈ સમસ્યા ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,૬૦ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં તેઓને વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડી ની વ્યવસ્થા ઉભી કરાશે.
આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે. તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.
1 મહિનામાં જ તમામ તાલુકામાં શરૂ કરાશે નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર
દેશ અને ગુજરાતમાં કિડનીના રોગોનું પ્રમાણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે વધતી કિડની ફેલ્યોરની સમસ્યામાં ડાયાલિસિસની જરૂરિયાત પણ વધી રહીં છે એવામાં 31 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતેના અંગદાનના એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસિ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે આગામી એક મહિનામાં રાજ્યના તમામ તાલુકાઓમાં દર્દી ડાયાલિસિસ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યાં છે.હાલ 160 જેટલા તાલુકાઓમાં ડાયાલિસિસ સેન્ટર નથી જેથી આ કામ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે તરફ રાજ્ય સરકાર આગળ વધી રહીં છે.