પીએમ મોદીએ ઐતિહાસિક ક્ષણ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ માટે જે શબ્દ પ્રયોગ કર્યો તેની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ સુભાષ ચંદ્ર બોઝને અખંડ ભારતના પ્રથમ પ્રધાન ગણાવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નવા કર્તવ્યપથનું ગઇકાલે લોકાર્પણ કર્યું હતું અને સાથે સાથે ઈન્ડિયા ગેટ પાસે જ ભારતના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ ઐતિહાસિક ક્ષણ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ માટે જે શબ્દ પ્રયોગ કર્યો તેની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ સુભાષ ચંદ્ર બોઝને અખંડ ભારતના પ્રથમ પ્રધાન ગણાવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે હવે જે લોકો અહીં આવશે તેમને નેશનલ વોર મેમોરિયલ, નેતાજીની પ્રતિમા, આ બધુ તે લોકોને મોટી પ્રેરણા આપશે અને કર્તવ્યબોધથી ઓતપ્રોત કરી દેશે.
પીએમ મોદીએ કહ્યું કે જો આઝાદી બાદ આપણું ભારત સુભાષ બાબુની રાહ પર ચાલ્યો હોત તો આજે દેશ કેટલી ઊંચાઈઓ પર હોત. પણ દુર્ભાગ્યની વાત છે કે આઝાદીના આ મહાનાયકને ભૂલાવી દેવામાં આવ્યા. તેમના વિચારો, તેમના પ્રતીકોને નજરઅંદાજ કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે નેતાજી સુભાષ, અખંડ ભારતના પહેલા પ્રધાન હતા જેમણે વર્ષ 1947 પહેલા જ અંદામાનને આઝાદ કરાવી તિરંગો ફરકાવી દીધો હતો.
ગુલામીની માનસિકતાનો ત્યાગ
પીએમ મોદીએ કહ્યું કે આજે રાજપથનું નામ હટાવીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે અને જ્યોર્જ પંચમની મૂર્તિના નિશાનને હટાવીને નેતાજીની મૂર્તિ લગાવવામાં આવી છે, આ ગુલામીની માનસિકતાનો પરીત્યાગ છે. પીએમ મોદીએ કહ્યું કે રાજપથ બ્રિટિશ રાજ માટે હતો, જેમના માટે ભારતના લોકો તો ગુલામ હતા. રાજપથની ભાવના ગુલામીની પ્રતિક હતી અને તેની રચના પણ એ રીતે જ કરવામાં આવી હતી. આજે આ જગ્યાના આર્કિટેક્ચરમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે અને સાથે સાથે આત્મા પણ બદલાઈ છે.