છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયથી સમગ્ર સૌરાષ્ટ્રભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઇકાલે ગુરૂવારે ભાવનગર શહેરનું તાપમાન ૮૩ દિવસ પછી ૩૬.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું જેના કારણે ઉનાળા જેવી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. દરમિયાન બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદનું જાેરદાર ઝાપટું પડ્યું હતું.
છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે અને તેનું સ્થાન ગરમીએ લીધુ હોય તેમ તાપમાનનો પારો સતત ઉચકાઇ રહ્યો છે. ગઇકાલે ગુરૂવારે દિવસનું તાપમાન ૩૬.૭ ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું અને અસહ્ય ગરમી તથા બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો. દરમિયાન બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. સાંજના સમયે વાવાઝોડા માફક ૪૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને સાથોસાથ વરસાદનું ઝાપટું પડ્યું હતું જેના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. લાંબા સમય બાદ વરસાદ પડતા દિવસભર પડેલી ગરમીથી લોકોએ આંશિક રાહત મેળવી હતી. ભાવનગર ઉપરાંત વલ્લભીપુર પંથકમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત જેસર, ઘોઘા, ઉમરાળા, સિહોર, તળાજા અને ગારિયાધાર પંથકમાં પણ વરસાદના હળવા-ભારે ઝાપટા પડ્યા હતાં. ભાવનગર જિલ્લામાં એવરેજ ૭૨.૨૩ ટકા વરસાદ નોંધાયો છે જે હજુ સિઝનના કુલ વરસાદ કરતા ૨૮ ટકા ઓછો રહેવા પામ્યો છે.