વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં માહોલ ગરમાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પ્રજાના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક બની છે અને રોજ ઉઠીને વિરોધ દર્શક કાર્યક્રમો થઇ રહ્યા છે. હવે આવતીકાલે મોંઘવારી સહિતના પ્રશ્ને કોંગ્રેસે ભાવનગરમાં સાંકેતિક બંધનું એલાન આપી અસરકારક વિરોધ દર્શાવવા કાર્યક્રમ ઘડ્યો છે. ૧૦મીએ સવારના ૮ થી બપોરના ૧૨ સુધી સાંકેતિક બંધ પાળી સરકારની નીતિ-રીતિનો વિરોધ કરવા કોંગ્રેસે અનુરોધ કર્યો છે.
શહેર કોગ્રેસ સમિતિએ જણાવ્યું કે, દર વર્ષે ૨ કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આથક નીતીને કારણે દેશમાં ૧૪ કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોસગના નામે ગુજરાતના યુવાનોનું સુનિયોજીત રીતે ભાજપ સરકાર આથક શોષણ કરી રહી છે. ૨૦ થી ૨૪ વય જુથના ૪૨ % યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે ૨,૩૦,૦૦૦ થી વધુ લઘુઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. આમ એકંદરે લોકો ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારીનો બેવડો માર સહન કરવા મજબુર બન્યા છે. ગુજરાતમાં ૪,૩૬,૬૬૩ કરતાં વધુ શિક્ષિત અને ૨૩૪૩૩ અર્ધશિક્ષિત એટલે કે ૪૫૮૯૭૬ નોંધાયેલા બેરોજગાર યુવાનો જ્યારે ન નોંધાયેલા ૪૦ લાખ કરતો પણ વધુ યુવાનો રોજગાર માટે રાહ જાેઈને બેઠા છે. જ્યારે ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં ૪.૫૦ લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ખેતર વિનાના ખેડૂત, ગ્રામસેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડોક્ટર વિનાનુ દવાખાનુ એ ભાજપની ઓળખ છે. ૧૫-૧૫ વર્ષથી લાયબ્રેરીયનોની ભરતી કરવામાં આવી નથી અને વાત કરે છે વાંચે ગુજરાતની ?. ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી શારીરીક શિક્ષણના શિક્ષકો-અધ્યાપકોની ભરતી કરવામાં આવી નથી અને ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરે છે, ‘રમશે ગુજરાત’ની ? ચિત્ર, સંગીત, કળાના શિક્ષકોની ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી ભરતી જ થઈ નથી અને વાત કરે છે કળા સંસ્કૃતિની ? ૨૪૦૦૦ કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી, ૪૭૦૦૦ જેટલાં ટેટ – ટાટ પાસ ઉમેદવારો શિક્ષક બનવા રાહ જુએ છે, ૧ લાખ પીટીસીના પાસ ઉમેદવારો બેરોજગાર, શુ આ રીતે ભણશે ગુજરાત ? તેવા કોંગ્રેસે સવાલ કર્યા છે.