વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનની ખાડીમાં અમેરિકી સેનાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના શહીદ થવાનો મુદ્દો ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ખૂબ જ મજબૂતાઈથી ઉઠાવ્યો છે. ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાયેલી જી-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના ટોચના નેતાઓ સમક્ષ આ ગંભીર મામલો રજૂ કર્યો હતો. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત ચર્ચા કરશે કે કેમ તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં હતાં, આખરે આ મુદ્દે ભારતે પોતાનો પક્ષ રાખી સવાલ કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વૈશ્વિક દરિયાઈ વેપારને જીવંત રાખતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણા તમામ દેશોની સામૂહિક જવાબદારી છે. જી-7 સમિટના સંપર્ક સત્રને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં આવી રહેલા અવરોધોને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. આ તણાવ અને સંઘર્ષના કારણે કેટલાય નિર્દોષ ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણે એવું વાતાવરણ ઊભું કરવું પડશે જ્યાં આપણા નાવિકો કોઈ પણ પ્રકારના ડર કે ભય વિના સુરક્ષિત રીતે પોતાનું કામ કરી શકે. એટલું જ નહીં પરંતુ ‘નવી ભાગીદારી તૈયાર કરવા અને આંતરરાષ્ટ્રીય એકતાને ફરીથી બેઠી કરવા’ના વિષય પર આયોજિત આ સત્રમાં પીએમ મોદીએ પરસ્પર વિશ્વાસ પર ભાર મૂક્યો હતો.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘આજના યુગમાં સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટેક્નોલોજી કે બજાર નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે. આજના વિશ્વમાં કોઈપણ દેશની ઉર્જા, ખાદ્ય પદાર્થ, આરોગ્ય, સાયબર સુરક્ષા અને આર્થિક પ્રગતિ માત્ર તેની સરહદોની અંદર નક્કી નથી થતી, આપણે બધા એકબીજા પર નિર્ભર છીએ’.આવા અનેક વિષયો પર પીએમ મોદીએ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. જી-7 સમિટ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે પણ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ મુલાકાતોમાં વેપાર, સુરક્ષા અને પરસ્પર સહયોગ વધારવા અંગે અત્યંત હકારાત્મક ચર્ચા થઈ છે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-યુકે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. જી-7 સમિટના ‘સાઇડલાઇન્સ’ પર પીએમ મોદી અને કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે પણ અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. જેમાં બંને દેશોએ અત્યંત પારદર્શી અને ખુલ્લા મનથી દ્વિપક્ષીય સંબંધો તેમજ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પોતાના વિચારો શેર કર્યા હતા. પીએમ મોદીએ વિશેષ રૂપે કેનેડામાં વસતા ઓવરસીઝ ઇન્ડિયન્સની સંભાળ અને મદદ માટે કેનેડા સરકારનો આભાર માન્યો હતો. વેપારિક સંબંધો પર વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત, કેનેડા સાથે મુક્ત વ્યાપાર કરાર ને લઈને ખૂબ જ ઉત્સુક છે અને તેને આ વર્ષે જ પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીએ પીએમ મોદીને કેનેડા આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો પીએમ મોદીએ સહર્ષ સ્વીકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આગામી સમયમાં પીએમ મોદી કેનેડાના પ્રવાસે જઈ શકે છે.






