અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવા અને ડીલ થઈ ગયા પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ખામેનેઈએ દાવો કર્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર કરાવવા માટે લાચારીમાં આવીને તમામ પ્રકારના દબાણ અને દાવપેચનો ઉપયોગ કર્યો હતો.
સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓએ અમેરિકા સાથે થયેલા આ કરારને મંજૂરી આપી દીધી છે, જોકે તેમણે એવું પણ કહ્યું કે આ મુદ્દા પર તેમનો “અલગ અભિપ્રાય” હતો. તેમણે આ બાબતે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું કે તેમણે આ કરારને આગળ વધવા દીધો કારણ કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને તેમને ભરોસો આપ્યો હતો કે તેઓ “ઈરાનના અધિકારોનું રક્ષણ કરશે”.
સર્વોચ્ચ નેતાએ એમ પણ કહ્યું કે ભવિષ્યમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે “આમને-સામને વાતચીત” થશે, પરંતુ તેનો અર્થ એ નહીં હોય કે “દુશ્મનના અભિપ્રાય કે સ્થિતિનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.”
આ પહેલીવાર છે જ્યારે ખામેનેઈએ આ કરાર પર કોઈ પ્રતિક્રિયા આપી છે. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર થયેલા અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં તેમના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ, માર્ચ મહિનામાં મોજતબાએ આ પદ સંભાળ્યું હતું. ત્યારપછી તેઓ સાર્વજનિક રૂપે ક્યારેય જોવા મળ્યા નથી.આમ તો ડોનાલ્ડ ટ્રમ્પેમોજતબા ખામેનેઈના આ નિવેદન પર સીધી રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે “તમામ મોરચે” યુદ્ધવિરામ લાગુ થશે, જેમાં ઈઝરાયેલ અને લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેના મોરચાનો પણ સમાવેશ થાય છે.
સાથે જ, તેમને આશા છે કે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના દેશો “આપણી વાતચીત” ને આગળ વધવા દેવાની પોતાની પ્રતિબદ્ધતા (વચન) જાળવી રાખશે.
બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) માં અમેરિકી સેનાની નાકાબંધી ખતમ થઈ હોવાની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે આ કાર્યવાહી “રાષ્ટ્રપતિના આદેશ અનુસાર” કરવામાં આવી છે. સાથે જ તેમણે એ પણ ઉમેર્યું કે કેટલાક અમેરિકી જહાજો “આ વિસ્તારની આસપાસ” તૈનાત રહેશે.






