ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ના બીજા દિવસે ભાવનગર શહેરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે કુલ ૯ અલગ-અલગ રૂટ નક્કી કરાયા હતા. જેમાં બાલવાટિકામાં ૧,૦૨૩ બાળકો, ધોરણ-૯માં ૧,૯૭૧ અને ધોરણ-૧૧માં ૯૨૬ મળી કુલ ૩,૯૨૦ વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ નવેય રૂટ પર કૃષિ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, રિલીફ કમિશનર આલોકકુમાર પાંડે, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીના, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. નિકુંજભાઈ મહેતા અને ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરતભાઈ રામાનુજ, શાસકપક્ષના નેતા લાલુભા લાળા, અન્ડર સેક્રેટરી હેતલકુમાર બી. પટેલ, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર યોગેશકુમાર દેસાઈ, સીટી મામલતદાર કે.બી. ચાંદલિયા, દંડક રિંકુબેન માંગુકીયા, ડેપ્યુટી કમિશનર જિનેશ મહેતા અને એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ બિમલકુમાર ભટ્ટ સહિતના અધિકારીઓએ વિવિધ શાળાઓમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાલવાટિકાના બાળકોનું કંકુ-તિલકથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






