ભાવનગર,તા.૩
જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી આહિર સમાજની ૧૦ વર્ષીય દીકરી કુમારી આયુષીબેન રમેશભાઈ બલદાણીયાનું અવસાન થતાં સમગ્ર આહિર સમાજમાં ભારે દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ આઘાતજનક ઘટના સંદર્ભે ‘આહિર યુવક મંડળ – ભાવનગર’ અને સમગ્ર ભાવનગર આહિર સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં સરકાર સમક્ષ ન્યાય માટે કેટલીક પ્રમુખ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય, તટસ્થ અને સમયબદ્ધ તપાસ કરવાની રજૂઆત કરાઈ છે. આ સાથે જ જો કોઈ ટ્રસ્ટી, સંચાલક, શિક્ષક અથવા અન્ય જવાબદાર વ્યક્તિ આ ઘટનામાં દોષિત સાબિત થાય, તો તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને સંસ્થાની બેદરકારી સાબિત થાય તો સંબંધિત સંસ્થા સામે કાયદેસરની રાહે કડક પગલાં લેવાની માંગ કરાઈ છે. અંતમાં, ભવિષ્યમાં આવી દૂખદ ઘટના કોઈપણ સમાજના દીકરા-દીકરી સાથે ન બને તે માટે રાજ્યની તમામ હોસ્ટેલોમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખના નિયમો સખત રીતે અમલમાં મૂકવા અનુરોધ કરાયો છે.



