રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તા.૧૧ સપ્ટેમ્બરે તેમના જન્મદિન નિમિતે ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, શાળા પાનવાડી તથા સરકારી શાળા, હેમભાની ઓફિસ પાસે, ઇંદિરાનગર તેમજ જૈન ધર્મશાળા મોટી પા, વરતેજ ખાતે મળી ત્રણ સ્થળોએ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે.
વર્તમાન સમયે વાઇરલ શરદી, ઉધરસ તપાસી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ તેમાં સેવા આપશે અને વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના તબીબો મારફત હઠીલા રોગો વા, સંઘિવા, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ હોમિયોપેથિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે. મંત્રી વાઘાણીના પરિવાર તરફથી બેતાળા નંબરના ચશ્મા ધરાવતા અંદાજે પંદરસો લોકોને નિશુલ્ક ચશ્મા આપવામાં આવશે.
મંત્રીના જન્મદિને ભાવનગર શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની સહિતની સંસ્થાના લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો જેમણે માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા હોય અને દિવ્યાંગ સોળસો જેટલા બાળકોને કપડાં વિતરણ કરવામાં આવશે. શહેરની સામાજિક અને દિવ્યાંગ બાળકો માટે કામ કરતી વૃધ્ધાશ્રમ, તપીબાઈ વિકાસ ગૃહ, મુક બધિર સંસ્થા, અનાથ આશ્રમ, લેપ્રેસી હોસ્પિટલ- વસાહન સહિતની સંસ્થાઓના ૧૫૦૦ લોકો અબાલ વૃધ્ધો માટે ભોજન સંભારંભ યોજાશે.