બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે સોશિયલ મીડિયા પર થયેલો સામાન્ય વિવાદ ખૂની ખેલમાં પરિણમ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલાયેલા રિક્વેસ્ટ મેસેજ અને ચેટ મામલે ઉભા થયેલા વિવાદનું સમાધાન કરવા માટે બોલાવાયેલા ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ હુમલાનો ભોગ બનનાર યુવકોમાં હરપાલ રવુભાઈ ખાચરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અક્ષય રાજુભાઈ ખાચરને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. ત્રીજા ઈજાગ્રસ્ત યુવક સતુ વલકુભાઈ બોરીચાની સારવાર બોટાદમાં જ ચાલી રહી છે. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બનાવની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. એસપી ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, યુવતીના ભાઈ અને તેના સાગરિતોએ જ સમાધાનના બહાને આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી છે.




