અમદાવાદ શહેરની એક હૉટલમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ યુવક સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવક-યુવતી સંતરામપુરના રહેવાસી છે. પ્રેમ સંબંધમાં તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક હૉટલમાં યુવક અને યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બંનેએ હૉટલમાં ચેક ઈન કર્યા બાદ લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો નહોતો. હૉટલના સ્ટાફે જ્યારે દરવાજો ખખડાવતાં કોઈ પ્રતિસાદ ન મળતાં મેનેજરને જાણ કરી હતી. જે બાદ મેનેજરની હાજરીમાં રૂમનો દરવાજો ખોલતાં સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.
યુવક-યુવતી રૂમમાં પંખા સાથે દોરડું બાંધેલી હાલતમાં લટકતાં જોવા મળ્યા હતા. જેશી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસમાં બંને મૂળ મહીસાગરના સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. યુવતી અમદાવાદમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરતી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.
યુવકે હૉટલમાં રોકાણ દરમિયાન જમા કરાવેલા ડોક્યુમેન્ટના આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અમદાવાદ દોડી આવ્યા હતા. પ્રેમ પ્રકરણમાં જ યુવક-યુવતીએ આ પગલું ભર્યું છે કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.






