દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અંતરધ્યાન થયા છે. જેથી તેમના અનુયાયીઓમાં શોક છવાયો છે. આજે જબલપુર નજીક આવેલા આશ્રમ ખાતે તેઓનો દેહવિલય થયો છે. આ સમાચાર મળતા જ ભક્તોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો જન્મ 2 સપ્ટેમ્બર 1924માં થયો હતો. તેઓ એક આધ્યાત્મિક ગુરુ ઉપરાંત સ્વતંત્રતા સેનાની પણ રહી ચૂક્યા છે.
સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો જન્મ મધ્ય પ્રદેશ રાજ્યના સિવની જિલ્લાના જબલપુર નજીક દિઘોરી ગામમાં પિતાશ્રી ધનપતિ ઉપાધ્યાય અને માતા શ્રીમતી ગિરિજા દેવીને ત્યાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમણે ઘર છોડીને ધાર્મિક યાત્રાઓ શરૂ કરી. આ દરમિયાન તેઓ કાશી પહોંચ્યા અને અહીં તેમણે બ્રહ્મલિન શ્રી સ્વામી કરપત્રી મહારાજ, વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. આ તે સમય હતો જ્યારે ભારતને અંગ્રેજોથી મુક્ત કરવાની લડાઈ ચાલી રહી હતી. 1942માં જ્યારે અંગ્રેજોએ ભારત છોડોનો નારા લગાવ્યો ત્યારે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં પણ કૂદી પડ્યા અને 19 વર્ષની વયે તેઓ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે પ્રખ્યાત થયા. આ દરમિયાન તેણે નવ મહિના વારાણસી જેલમાં અને છ મહિના મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા. તેઓ કરપતિ મહારાજના રાજકીય પક્ષ રામ રાજ્ય પરિષદના પ્રમુખ પણ હતા. તેમને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા અને 1981માં શંકરાચાર્યની પદવી પ્રાપ્ત થઈ. 1950માં શારદા પીઠે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા.