ભાવનગરમાં આગામી રથયાત્રાના તહેવારને અનુલક્ષીને પોલીસનું સઘન પેટ્રોલીંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસેથી એક એમ્બ્યુલન્સમાંથી રૂ ૧.૫૪ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર એલસીબીનો સ્ટાફ રથયાત્રાને લઈને પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની ઈકો કાર રજી. નં: GJ-27-BS-0936, જેના પર ‘ઓમ નર્સીંગ સર્જીકલ કેર હોસ્પિટલ’ અને ‘એમ્બ્યુલન્સ’ લખેલું છે, તેમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે વોચ ગોઠવીને કારને રોકી હતી. તલાશી લેતા કારની પાછળની સીટ અને ડીકીમાંથી કાળા ઝભલાઓમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક કિરણ સહદેવભાઈ મહેતા ઉ.વ. ૪૬, રહે.આનંદનગર, સ્લમ બોર્ડની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી.
પોલીસે તપાસ દરમિયાન કારમાંથી મળી આવેલ દારૂની બોટલ (૧૨૪૮ નંગ): રૂ. ૧,૫૧,૦૦૮/-બિયર ટીન (૨૪ નંગ): રૂ. ૩,૦૦૦/- તથા એમ્બ્યુલન્સ લખેલી ઈકો કાર: રૂ ૨,૫૦,૦૦૦/- અને મોબાઈલ ફોન રૂ.૧૦,૦૦૦/- સહીત કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૪,૧૪,૦૦૮/-નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા કિરણની પૂછપરછ કરતા આરોપી કિરણે કબૂલાત કરી છે કે તે અને તેનો ભાણીયો પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ ભાગીદારીમાં દારૂનો ધંધો કરે છે. પોલીસથી બચવા માટે તેઓએ એમ્બ્યુલન્સનો કીમિયો અપનાવ્યો હતો. તેઓએ રાજસ્થાનના આબુ રોડ પરથી પ્રકાશ નામના શખ્સ પાસેથી આ દારૂ લાવ્યા હતા. હેરાફેરી દરમિયાન પ્રહલાદ બાઈક પર પાયલોટીંગ કરતો હતો. બનાવ અંગે એલસીબીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.






