સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદ ભવનમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હોવાનું જાણાવા મળ્યું છે. આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ મહેશ દીક્ષિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારે મોડી સાંજે મળેલી આ બેઠક રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બની છે. અમિત શાહે કયાં મુદ્દાઓ પર ચર્ચા કરી તેના વિશે કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી.
હાલમાં દેશનું રાજકીય વાતાવરણ ગરમાયેલું છે. ખાસ કરીને ‘નીટ-યુજી’ પેપર લીક કાંડને પગલે દેશભરમાં વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ દબાણ હેઠળ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું, જેના કારણે વિપક્ષો સરકારને સતત ઘેરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં દેશની સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને તાજેતરના વિરોધ પ્રદર્શનો પર ગંભીર મનોમંથન કરવામાં આવ્યું હોવાની શક્યતા છે.
ગૃહ પ્રધાનની આ બેઠક વચ્ચે, વિરોધ પક્ષોએ 20 જુલાઈએ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સરકારને સવાલો કર્યાં હતાં. એન્ટી-પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગગોઈએ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી
તમામ પ્રકારના આક્ષેપો અને સવાલોની વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકાર તરફથી આ બેઠકના એજન્ડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ સંસદના સત્ર દરમિયાન સુરક્ષા અને રાજકીય સ્થિતિને જોતા આ બેઠકને અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહી છે.






