મધ્ય પ્રદેશના રાજધાની ભોપાલમાં 2 હજારથી પણ વધારે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મગની 100 ટકા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો ભોપાલ પહોંચ્યાં છે. આજે આ ખેડૂતો ફરી એક વખત સીએમ આવાસને ઘેરવા માટે પહોંચ્યાં છે. પોલીસ દ્વારા આ ખેડૂત સંગઠનોને રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં પરંતુ ખેડૂતો મોટી સંખ્યામાં હોવાથી ભોપાલ તરફ કૂંચ કરી રહ્યાં છે.
ખેડૂતોની માંગ છે કે, સરકાર મગની સંપૂર્ણ ખરીદી MSP પર કરે, એટલું જ નહીં પરંતુ સાથે ખાતરના વિતરણમાં ટોકન સિસ્ટમને પણ ખતમ કરી દેવામાં આવે! આ મામલે રાજ્યના કૃષિ પ્રધાને ખેડૂત નેતાઓ સાથે વાત કરી હતી. જેમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતો માનવા માટે તૈયાર નથી.ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકારની વાતો પર વિશ્વાસ નથી. અમને લેખિતમાં બાહેધરી આપવામાં આવે! એટલે હવે ખેડૂતો અને સરકાર વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે, ખેતી માટે ઘણી મહેતન થતી હોય છે. મોંઘા ભાવે બિયારણ અને ખાતર લાવ્યાં બાદ જ્યારે પાક તૈયાર થાય છે કે, ત્યારે તેનો ભાવ મળતો નથી. જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતોએ જણાવ્યું કે, એક એકર જમીનમાંથી 5 ક્વિન્ટલ (500 કિલો) મગનો પાક તૈયાર થાય છે. આમાંથી 20 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવતો હોય છે, પરંતુ સરકાર માત્ર એક ક્વિન્ટલ અને 20 કિલો મગની ખરીદી કરે છે. તો ખેડૂતોને મોટું નુકસાન આવી રહ્યું છે.
સમીકરણ સમજીએ તો, સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેમાં પ્રતિ ક્વિન્ટલ 8,668 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પ્રતિ એકરમાં 5 ક્વિન્ટલ મગનું ઉત્પાદન થાય છે. બાકીના મગ બજારમાં વેચવામાં આવે ત્યારે પ્રતિ ક્વિન્ટલે માત્ર 5 થી 6 હજારનો ભાવ મળે છે. એટલે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે 3થી 4 હજાર રૂપિયાનું નુકસાન આવે છે. એટલે કે એક એકર દીઠ ખેડૂતોને 15 થી 16 હજાર રૂપિયાનું નુકસાન આવતું હોવાથી ખેડૂતો સંપૂર્ણ પાક MSPના આધારે ખરીદવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે.






