રશિયાની રાજધાની મોસ્કોમાં કુદ્રિન્સ્કાયા સ્ક્વેર ખાતે એક વૈભવી રેસ્ટોરાંમાં થયેલા આત્મઘાતી હુમલામાં હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા અને ૨૧થી વધુ ઘાયલ થયા હતા.
રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું કે,એક અજ્ઞાાત મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર પર સ્થિત બાલ્ઝી રોસી રેસ્ટોરાંમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ એક સિક્યોરિટી ગાર્ડે તેને અટકાવી હતી. મહિલા પાસે હોમમેડ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (આઈઈડી) હતી, જે રેસ્ટોરાંમાં ઘૂસતા પહેલા જ ફાટી ગઈ હતી. આ વિસ્ફોટમાં મહિલા સાથે તેને રોકનાર સિક્યોરિટી ગાર્ડ અને એક ગ્રાહકનું મોત થયું હતું. રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ હુમલો શા માટે કર્યો તે પણ જણાવ્યું નથી. મીડિયા અહેવાલ મુજબ અજ્ઞાાત મહિલા એક બોક્સ લઈને આવી રહી હતી, જેના પર સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ હતી. તેણે મહિલાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે બોક્સમાં ગીફ્ટ છે. ગાર્ડે તેની તલાશી લેવાનો પ્રયત્ન કરતા વિસ્ફોટ થયો હતો. એજન્સીનું માનવું છે કે બોમ્બને દૂરથી જ વિસ્ફોટ કરી ઉડાવાયો હતો. મહિલાને કદાચ પેકેટમાં શું છે તેની કોઈ માહિતી નહોતી.





