શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે.
સોમનાથમાં આજે મહાદેવની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે આવેલા વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ પૂજા વિધિઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભાવિકો ધાર્મિક વિધિઓમાં સહભાગી બની શકે.
આ ઉપરાંત વડોદરા, સુરત અને ગોંડલમાં પણ ભક્તો ભક્તિના રંગમાં રંગાયા છે. ગોંડલના મુક્તિધામમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું. સુરતના કતારગામ વિસ્તારમાં કાંતારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વડોદરાના પૌરાણિક મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે.



