અત્યાર સુધી દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદી અનુસાર, દિલ્હીમાં મતદારોની સંખ્યામાં 32.8 ટકા અને મહારાષ્ટ્રમાં 21.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હીમાં SIR પહેલાં મતદારોની કુલ સંખ્યા આશરે 1.45 કરોડ હતી, જે હવે ઘટીને ડ્રાફ્ટ યાદીમાં 97.53 લાખ થઈ છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા 9.78 કરોડથી ઘટીને 7.71 કરોડ થઈ છે. SIRના ત્રીજા તબક્કામાં અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 6.15 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના આંકડા અનુસાર, 3.56 ટકા મતદારોને મૃત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જ્યારે 15.78 ટકા લોકો કાયમી રીતે અન્ય સ્થળે સ્થળાંતરિત, ગેરહાજર અથવા અન્ય શ્રેણીમાં આવતા હોવાનું નોંધાયું હતું.
ઉપરાંત 1.81 ટકા મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.દિલ્હીના આંકડા અનુસાર, 29.86 ટકા મતદારોને ગેરહાજર, સ્થળાંતરિત અથવા અન્ય શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 1.95 ટકા મતદારો મૃત હોવાનું નોંધાયું છે, જ્યારે 0.98 ટકા લોકોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હતા.ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, જે મતદારોનું નામ ભૂલથી ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયું હોય તેઓ આગામી એક મહિના દરમિયાન પોતાનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે. એટલે કે ડ્રાફ્ટ યાદીમાંથી નામ હટાવવું અંતિમ નિર્ણય નથી અને યોગ્ય પ્રક્રિયા દ્વારા વાંધો નોંધાવી શકાય છે.






