ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં રહેતા લોકોની આવક વધવાની સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, વાહન રજીસ્ટ્રેશનમાં રાજ્યમાં મોખરે રહેતું અમદાવાદ હવે સુરતથી પાછળ રહી ગયું છે. 1.8 લાખ નવા વાહનો સાથે સુરત મોખરે રહ્યું છે. વાહનોની ખરીદીની રેસમાં સુરત અમદાવાદને પછાડી નંબર-1 બન્યું છે.
મળતી વિગત પ્રમાણે, 15 સપ્ટેમ્બર સુધીમાં સુરતમાં 1.8 લાખ વાહનો નોંધાયા હતા, જે વર્ષ 2025ના કુલ 2.2 લાખ વાહનોના લગભગ 80 ટકા જેટલા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન અમદાવાદમાં (GJ01-સુભાષ બ્રિજ સીરીઝ હેઠળ) 1.4 લાખ વાહનો નોંધાયા હતા, જે 2025ના કુલ 1.8 લાખના 76 ટકા જેટલા છે. વિકાસ દરમાં પણ સુરત આગળ રહ્યું હતું. 2024માં 6 ટકાથી વધુ અને 2025માં 9ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જેની સામે અમદાવાદનો વૃદ્ધિ દર અનુક્રમે 3 ટકા અને 5.6 ટકા રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરતમાં ઝડપી વિકાસ અને વધતી વસ્તીને કારણે લોકો નવા વિકાસશીલ વિસ્તારોમાં રહેવા જાય તે સ્વાભાવિક છે. જ્યાં સુધી આવા વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધા પૂરી ન થાય, ત્યાં સુધી લોકો પોતાના કામના સ્થળે પહોંચવા માટે અંગત વાહનો ખરીદે છે. પૂર બાદ છેલ્લા બે મહિનામાં 80 કરોડ રૂપિયાના 4,516 વ્હીકલ ઇન્શ્યોરન્સ ક્લેમ પાસ કરવામાં આવ્યા છે. ઘણા લોકોએ નવા વાહનો ખરીદ્યા છે. હજુ પણ વીમાની પ્રક્રિયા ચાલુ હોવાથી લોકો નવા વાહનોની ખરીદી ચાલુ રાખશે.આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, પૂરતા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ન હોવાના કારણે સુરતમાં ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘણી વધારે છે. અમદાવાદમાં 12 ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, તેની સરખામણીએ સુરતમાં માત્ર 3ટકા લોકો જ તેનો ઉપયોગ કરે છે. સૂત્રોએ સુરતના લોકોની ઊંચી આવક તરફ ધ્યાન દોરતાં કહ્યું કે, સુરતના કેટલાક પરિવારોમાં તો દરેક સભ્ય પાસે પોતાનું વાહન છે.
બીજી તરફ, અમદાવાદનું રજીસ્ટ્રેશન વસ્ત્રાલ, સુભાષ બ્રિજ અને બાવળા એમ ત્રણ RTO ડિવિઝનમાં વહેંચાયેલું છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગનો નવો વિકાસ શહેરના સાણંદ, ગોધાવી અને મણિપુરમાં થઈ રહ્યો છે, આ વિસ્તાર બાવળા RTO હેઠળ આવે છે. પૂર્વ અમદાવાદમાં પણ નોંધપાત્ર વિકાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે વસ્ત્રાલ RTO ખાતે રજીસ્ટ્રેશનમાં ઉછાળો આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુભાષ બ્રિજ RTOમાં 2-4 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. બાવળા RTOમાં હાઇ-એન્ડ વાહનો, ખાસ કરીને 15-20 લાખ રૂપિયા કે તેથી વધુ કિંમતના વાહનો માટે એક મહત્વપૂર્ણ રજીસ્ટ્રેશન સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરીદદારો દ્વારા અમદાવાદમાં લાગુ પડતા કેટલાક મ્યુનિસિપલ ટેક્સથી બચવા માટે પણ આવું કરવામાં આવી રહ્યું છે.






