વંદે માતરમ્ને લઇને સુપ્રીમ કોર્ટમાં હાલ આકરી દલીલો ચાલી રહી છે. એક અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેને સજા ના કરી શકાય. સાથે જ સુપ્રીમે કેન્દ્રને કહ્યું હતું કે ૧૯૮૬ના ચુકાદાને ધ્યાનમાં રાખવામાં આવે જેમાં બાળકોએ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડી તો તેને સજા નહીં કરવા આદેશ કર્યો હતો.
ગાયક ટીએમ કૃષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વંદે માતરમ્ માટે ઘડાયેલા કાયદાને પડકાર ફેંક્યો છે. તેમની આ અરજી પર સુનાવણી વખતે સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા નક્સલી શબ્દનો ઉપયોગ કરાતા વરીષ્ઠ વકીલ અને પૂર્વ જજ એસ. મુરલીધર ભડક્યા હતા અને આ શબ્દો પરત લઇ માફી માગવા કહ્યું હતું. વંદે માતરમ્ને લઇને જુલાઇમાં સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન બિલ પસાર કરાયું અને વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત કરી દેવાયું હતું. વંદે માતરમ્ને કાયદાકીય રક્ષણ મુદ્દે અરજી કરાઇ છે.ગાયક ટીએમ કૃષ્ણાની અરજી પર દલિલો કરતી વખતે વરીષ્ઠ વકીલ અને પૂર્વ જજ એસ. મુરલીધરે કહ્યું હતું કે સુધારેલા કાયદામાં એવો ઉલ્લેખ નથી કે વંદે માતરમ્ અભિવ્યક્ત કેવી રીતે કરવું એવામાં કાયદાનો દુરુપયોગ થવાની પુરી શક્યતાઓ છે. વંદે માતરમ્નું ક્યૂ વર્ઝન નેશનલ સોંગ તરીકે ગણાશે તેની કોઇ જ સ્પષ્ટતા કર્યા વગર આ કાયદો પસાર કરવામાં આવ્યો છે.
માત્ર ઓફિસ મેમોરેન્ડમ દ્વારા જ આદેશ જારી કરી દેવાયા, કોઇ ગેઝેટ બહાર ના પડાયું. કોઇપણ પ્રકારની ચર્ચા વગર જ આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે બંધારણ હેઠળ કાયદા ઘડાતા હોય છે, કાયદા નક્સલીઓના વિચારોના હિસાબે ના હોવા જોઇએ.નક્સલી શબ્દ પર બાદમાં વકીલ મુરલીધરે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે કાયદાના અધિકારીએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવો જોઇએ. બાદમાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશની બેંચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે તમે ભલે કોઇને નક્સલી કહી દો પરંતુ તેના બંધારણીય અધિકારીનો ખતમ ના કરી શકો. આ સમગ્ર મામલે અંતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે જો કોઇ વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેવી સ્થિતિમાં તેને કોઇ પણ પ્રકારની સજા ના આપી શકો.





