ભાવનગર-તળાજા હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રાપજ ગામ નજીક પૂરઝડપે જઈ રહેલી બોલેરો કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં કારમાં સવાર 6 યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. આ કરૂણ ઘટનાથી સમગ્ર ભાવનગર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, આજે સવારે ભાવનગરના રહીશો બોલેરો કાર નં. GJ-04-EP-2599 માં ભાવનગરથી અલંગ ખાતે નોકરી પર જઈ રહ્યા હતા. દરમિયાન ત્રાપજ નજીક આગળ જઈ રહેલા ટ્રેલર નં. RJ-31-GA-9871 એ અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બોલેરો કાબુ બહાર જઈને ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરોના આગળના ભાગનો છુંદો બોલી ગયો હતો અને કારનું વ્હીલ પણ બહાર નીકળી ગયું હતું. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈ એમ 6 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે જયેશભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ સાથે બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને તળાજા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત જયેશભાઈને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર તમામ યુવકો અલંગના પ્લોટના કર્મચારીઓ હોવાનું ખુલ્યું છે.મૃતકોમાં પ્લોટના મેનેજરનો પણ સમાવેશ થાય છે. રોજની જેમ સવારે નોકરી પર જતી વખતે જ કાળે તેમને ભરખી લેતા પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે. તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




