INS માંગરોળ 12 ઑક્ટોબર 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ ત્રીજું સ્વદેશી એન્ટી-સબમરીન વોરફેર શૈલો વોટર ક્રાફ્ટ છે, જે ભારતીય દરિયાઈ તટીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વત્સાયન આ સમારોહની અધ્યક્ષતા કરશે.
આ કાર્યક્રમમાં નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કોચીન શિપયાર્ડના પ્રતિનિધિઓ, પૂર્વ સૈનિકો અને સ્વદેશી હથિયાર ઉત્પાદકો ભાગ લેશે. આ યુદ્ધપોત(યુદ્ધ જહાજ)નું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના પ્રખ્યાત મત્સ્યઉદ્યોગ બંદર ધરાવતા માંગરોળ શહેર પરથી રાખવામાં આવ્યું છે. અગાઉનું ‘INS માંગરોળ’ 2004 સુધી માઈનસ્વીપર તરીકે નૌકાદળમાં સેવા આપી ચૂક્યું હતું. નૌકાદળ તેના નામાભિધાન દ્વારા પોતાની જૂની વિરાસતને આગળ ધપાવી રહ્યું છે.
INS માંગરોળમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું એક જીવંત ઉદાહરણ છે. કોચીન શિપયાર્ડે આ જહાજનું ડિઝાઇન અને નિર્માણ કર્યું છે, જે ભારતની યુદ્ધપોત બનાવવાની ક્ષમતા સાબિત કરે છે. આ જહાજ ત્રણ ડીઝલ એન્જિન અને વોટરજેટ પ્રોપલ્શન સિસ્ટમથી ચાલે છે, જેથી તે છીછરા પાણીમાં પણ સરળતાથી કામ કરી શકે છે. તે દરિયાની અંદર નિરીક્ષણ, ઓછા તીવ્રતા વાળા દરિયાઈ અભિયાનો અને માઈન વોરફેર જેવા કાર્યો કરવા માટે સક્ષમ છે. જ્યાં મોટા યુદ્ધપોત તટીય વિસ્તારોમાં મર્યાદિત થઈ જાય છે, ત્યાં આ જહાજ ખૂબ જ અસરકારક સાબિત થશે.
INS માંગરોળ ‘અભય’ હલ-માઉન્ટેડ સોનાર, હળવા ટોર્પિડો, સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર અને ‘મારીચ’ એડવાન્સ્ડ ટોર્પિડો ડિપ્લોય સિસ્ટમથી સજ્જ છે. આ સિસ્ટમ્સ દરિયાની અંદરથી આવતા જોખમોને શોધવા અને તેને નિષ્ક્રિય કરવામાં મદદ કરશે. તે દરિયાઈ પેટ્રોલિંગ વિમાનો, હેલિકોપ્ટર અને અન્ય જહાજો સાથે મળીને કામ કરી શકે છે. બંદરો, દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયાઈ માર્ગોની સુરક્ષામાં તેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. પાણી નીચે વધતા જોખમોને ધ્યાનમાં રાખીને આ જહાજ નૌકાદળની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે. આત્મનિર્ભરતા તરફ ભારતનું આ વધુ એક સફળ પગલું છે.
–






