ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ભારતીય મૂળના પૂર્વ ન્યાયાધીશ નવનીતમ નાવી પિલ્લઈને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં જ અમેરિકાની ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જાહેરાતના થોડા જ સમય બાદ શુક્રવારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી દીધી છે.
અમેરિકાનું માનવું છે કે ICC અમેરિકાના અને ઈઝરાયલના લોકો સામે યુદ્ધ અપરાધોના પૂર્વગ્રહયુક્ત આરોપોની સુનાવણી કરે છે.વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વીડીયો મેસેજ દ્વારા આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને તેના નાગરિકો આ ફર્જી અદાલતના અધિકારક્ષેત્રમાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસન ICCના નાણાકીય વ્યવહારો રોકશે, તેની સંપત્તિઓ અને સંસાધનો જપ્ત કરશે તથા અમેરિકન કંપનીઓને ICC સાથેના તમામ કારોબાર પૂરા કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો આ મુદ્દા પર એકસમાન વિચાર ધરાવે છે અને આ રજૂ થતા ખતરાને ખતમ કરવા માટે જ પ્રમુખ ટ્રમ્પે આ કડક પગલું ભર્યું છે.’
અમેરિકાના આ કડક પ્રતિબંધો છતાં ICCએ સ્પષ્ટ કર્યું છે કે તે પીછેહઠ કરશે નહીં અને તમામ શક્ય રીતે કામ ચાલુ રાખશે. અમેરિકન નિર્ણયની નિંદા કરતા ICCના ડેપ્યુટી પ્રોસિક્યુટર નઝહત શમીમખાને જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કાયદાને નીચો દેખાડવાનો એક પ્રયાસ છે, પરંતુ તેનાથી કોર્ટની તપાસ અને કેસો ચલાવવાની પ્રક્રિયા અટકશે નહીં. ટ્રિબ્યુનલ પોતાની સ્વતંત્ર ભૂમિકા સાથે દરેક પરિસ્થિતિમાં તપાસ અને કેસો આગળ વધારવાનું કામ ચાલુ રાખશે.






