સાઉદી અરબ પર વધતા હુમલા અને વિશ્વનો ઓઇલ પુરવઠો અવરોધાવવાના ભયથી ક્રૂડ ઓઇલ ભડકે બળ્યું છે અને બ્રેન્ટ ક્રૂડે ૧૧૬ ડોલરની સપાટી વટાવી દીધી છે તો ડબલ્યુટીઆઈ ક્રૂડે ૧૦૦ ડોલરની સપાટી તોડી છે. તેના લીધે ભારત જેવા દેશમાં મોંઘવારીની સાથે પેટેલ-ડીઝલના ભાવ પર દબાણ વધી શકે છે.ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો વધારો થાય તો સરકારી કંપનીઓને લગભગ છ રુપિયે પ્રતિ લિટર નુકસાન થાય છે. ઇરાન-અમેરિકા યુદ્ધથી ક્રૂડ ઓઇલ ૮૫ ટકા મોંઘુ થઈ ચૂક્યું છે. આમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ ૮.૫૦ રૂપિયા જ વધ્યા છે. જ્યારે દુબઈ જેવા દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં વધુ મોંઘુ થઈ ગયું છે.
આ અગાઉ ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૧૧૩ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ૯૯ ડોલર હતુ. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો ભારત જેવા દેશનું ક્રૂડ આયાત બિલ વધારી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના રેડ સીમાં યાનબૂ બંદર પર તાજેતરમાં હુમલો કરવા ઉપરાંત એક ઓઇલ ઝોન અને એરપોર્ટ પર પણ હુમલાનો દાવો કર્યો છે. આ ઘટનાથી પશ્ચિમ એશિયામાં તનાવ વધવાની સંભાવના છે અને તેની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર પણ પડી રહી છે.
આ સિવાય હોર્મુઝની ખાડીમાં પણ તણાવ વધવાની શંકા પણ બજાર પર દબાણ વધારી રહી છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે મહત્ત્વનો છે. અહીં કોઈપણ પ્રકારના અવરોધથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર અસર પડી શકે છે. ઇરાને ગઇકાલે હોર્મુઝની ખાડીમાં સાત ટેન્કર ઉડાવ્યાનો દાવો કર્યો હતો. આના લીધે હોર્મુઝની ખાડીમાં ટેન્કરોની આવનજાવન મર્યાદિત થઈ ગઈ છે. બીજી બાજુએ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલાના લીધે પણ ઇંધણની ઉપલબ્ધતા પર દબાણ વધ્યું છે.અમેરિકાએ પણ ઇંધણના પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો તલાશવા પડી રહ્યા છે. બીજી બાજુએ રશિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાનું શરુ કર્યુ છે અને યુક્રેનના હુમલા વચ્ચે તેની રિફાઇનરીઓ પણ ધમધમવા લાગી છે.






