પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડો. કૃષ્ણ સિંહની ૧૩૯મી જયંતી પ્રસંગે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં ભારે આંતરિક વિખવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘મોદીનો બાપ પણ જશે.’ કાર્યક્રમની અંદર અને બહાર બિહાર કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હટાવવાની માગને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા અને એક યુવકે ટોકતા ખડગેએ આ આક્રમક નિવેદન આપ્યું હતું.
ખડગેએ દેશમાં છેલ્લા બે વર્ષમાં યોજાયેલી ચૂંટણીઓ રદ કરીને આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માગ કરી હતી. તેમણે ચૂંટણી પંચની મતદાર યાદી સુધારા માટેની ‘એસઆઈઆર’ કાર્યવાહીને ગેરરીતિ ગણાવી તેને તાત્કાલિક રોકવાની માગ કરી હતી અને આ વિરોધને આઝાદીની બીજી લડાઈ સાથે સરખાવ્યો હતો. વધુમાં, તેમણે આરએસએસ અને ભાજપને ભાગલાવાદી ગણાવતા દાવો કર્યો હતો કે જ્યાં સુધી આરએસએસ નાબૂદ નહીં થાય ત્યાં સુધી દેશમાં શાંતિ નહીં સ્થપાય.
ખડગેના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તેમના દિવંગત પિતા વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ચૂંટણીઓમાં સતત પરાજયથી હતાશ કોંગ્રેસ પક્ષ હવે ગાળાગાળીનું રાજકારણ રમી રહ્યો છે અને દેશની જનતા આ પ્રકારનું વર્તન ક્યારેય સાંખી નહીં લે.





