ઇઝરાયલની ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ, બંને બહુમતીથી દૂર રહ્યા છે. 90.5% મતોની ગણતરી બાદ નેતન્યાહૂનું ગઠબંધન 53 બેઠકો અને આઇઝનકોટનું વિપક્ષી ગઠબંધન 48 બેઠકો પર આગળ છે. બીજી તરફ, આરબ પક્ષોને કુલ 19 બેઠકો મળતી દેખાઈ રહી છે. સરકાર બનાવવા માટે સંસદની 120 બેઠકોમાંથી ઓછામાં ઓછી 61 બેઠકો જરૂરી છે. આવી સ્થિતિમાં આરબ પક્ષો કિંગમેકર બની શકે છે.
બીજી તરફ, ગુરુવારે સવારે ડબલ-એન્વલપ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ 5 લાખથી વધુ મતોને કારણે સંસદની બેઠકોનું અંતિમ પરિણામ બદલાઈ શકે છે.ડબલ-એન્વલપ બેલેટનો ઉપયોગ એવા લોકોના મતો માટે થાય છે જેમણે પોતાના નિર્ધારિત મતદાન મથકથી અલગ જગ્યાએ મતદાન કર્યું હોય. તેમાં સૈનિકો, રાજદ્વારીઓ, પોલીસકર્મીઓ અને વિસ્થાપિત લોકોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં 77.7% મતદાન થયું હતું. કેન્દ્રીય ચૂંટણી સમિતિના જણાવ્યા મુજબ, 56.95 લાખથી વધુ લોકો મતદાન કરી ચૂક્યા હતા. 2022ની ચૂંટણીમાં આ જ સમય સુધીમાં 70.6% મતદાન થયું હતું. આ આંકડો હજુ થોડો વધી શકે છે. રાત્રે 10 વાગ્યે મતદાન કેન્દ્રો બંધ થયા બાદ પણ ત્યાં લાઈનમાં ઊભેલા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઇઝરાયલના રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે ચૂંટણીમાં ટક્કર હોવા છતાં દેશમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત નહીં આવે.ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં નેતન્યાહૂ અને વિપક્ષના નેતાઓ સરકાર બનાવવાના વિકલ્પો શોધી રહ્યા છે.આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર અરાબિક નાગરિકોના પ્રતિનિધિત્વ કરતા પક્ષો દ્વારા જોવા મળ્યો છે. રેકોર્ડબ્રેક મતદાનના જોરે ‘જોઇન્ટ લિસ્ટ’ અને ‘રામ’ પક્ષોએ મળીને કુલ 19 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જે તેમનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ અને ઐતિહાસિક પ્રદર્શન છે. ભૂતકાળમાં આ પક્ષો વધુમાં વધુ 15 બેઠકો મેળવી શક્યા હતા. જો વિરોધ પક્ષો અરાબિક નેતાઓ સાથે હાથ મિલાવવા તૈયાર થાય, તો તેઓ નેતન્યાહૂને સત્તા પરથી હટાવવામાં ‘કિંગમેકર’ ની ભૂમિકા ભજવી શકે છે.






