ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં RSS નેતા શિવા તિવારી સહિત ત્રણ લોકોની ચાર દિવસ પહેલા થયેલી હત્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. 2 મિનિટ અને 56 સેકન્ડના આ વીડિયોમાં આરોપી ઋષભ શુક્લા પિસ્તોલથી ધડાધડ ગોળીઓ ચલાવતો જોવા મળે છે. તેણે પહેલાં શિવા તિવારીના પુત્ર સુયશને ગોળી મારી હતી. પુત્રને બચાવવા વચ્ચે પડેલા શિવા તિવારીની પણ હત્યા કરી હતી. ત્યારબાદ તેમના ભાઈ શિવેન્દ્રને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન પરિવારની મહિલાઓ અને મૃતકોની દીકરી સુમેધા જીવ બચાવવા માટે આજીજી કરતી રહી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી એક મેગેઝિન ખાલી થયા બાદ બીજી મેગેઝિન પિસ્તોલમાં લોડ કરીને ફરીથી ફાયરિંગ કરતો જોવા મળે છે. ગોળીબાર દરમિયાન આસપાસના લોકો પણ જીવ બચાવવા માટે ભાગી જતા દેખાય છે.
મળતી માહિતી મુજબ, શિવા તિવારી અને તેમના પાડોશી ઋષભ શુક્લા વચ્ચે ઝાડની આસપાસ ઓટલો બનાવવા અને ત્યાં કાર પાર્ક કરવા જેવી બાબતે વિવાદ થયો હતો. આ વિવાદમાં સૌથી પહેલાં શિવા તિવારીના પુત્ર સુયશ અને ઋષભ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને કાર પાસે ઝઘડતા જોવા મળે છે. આ દરમિયાન ઋષભ સુયશને નીચે પછાડીને તેના પેટમાં ગોળી મારી દે છે. પુત્રને બચાવવા માટે શિવા તિવારી દોડી આવે છે ત્યારે ઋષભ તેમના માથામાં ગોળી મારી દે છે. શિવા તિવારી જમીન પર પડી જાય છે, ત્યારબાદ પણ આરોપી તેમના પર વધુ ગોળીઓ ચલાવે છે.
પિતા અને ભાઈને ગોળી વાગતાં શિવા તિવારીના ભાઈ શિવેન્દ્ર પણ ઘટનાસ્થળે પહોંચે છે. આરોપી તેમને પણ ગોળી મારી દે છે. આ દરમિયાન શિવેન્દ્રની દીકરી સુમેધા આરોપીની સામે હાથ જોડીને પિતાનો જીવ બચાવવા આજીજી કરતી જોવા મળે છે. જોકે, આરોપી તેની વાત સાંભળતો નથી અને શિવેન્દ્ર પર ફરી ગોળી ચલાવે છે. વીડિયોમાં આરોપીની બહેન પણ શિવેન્દ્રને લાકડી મારતી જોવા મળે છે. ગોળીબાર બાદ આરોપી બૂમો પાડતો જોવા મળે છે.






