મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે જાપાને એશિયાઈ દેશોને મોટી રાહત અપાવતો એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તારીક 17 નવેમ્બર 2026ના રોજ ફિલિપાઈન્સની રાજધાની મનીલા ખાતે યોજાયેલા ASEAN શિખર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચીએ 48 દેશો સમક્ષ ‘એશિયન એનર્જી એજન્સી’ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સંમેલનમાં પ્રસ્તાવર અંગે વાત કરતા જાપાનના વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, તેઓ 1974ના તેલ સંકટ સમયે રચાયેલી ‘ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી’ના તર્જ પર તેનું એશિયન વર્ઝન અને એક ખાસ ‘ઓઈલ સિક્યોરિટી ટાસ્ક ફોર્સ’ બનાવવા માંગે છે. જાપાન ઈન્ડોનેશિયા સ્થિત આર્થિક સંશોધન સંસ્થા સાથે મળીને આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ કે વૈશ્વિક કટોકટીના સમયે સભ્ય દેશોના રાષ્ટ્રીય તેલ ભંડારમાંથી તેલ જારી કરવા અને જરૂરિયાતમંદ દેશો સાથે પરસ્પર વહેંચણી કરવા માટેના ચોક્કસ નિયમો ઘડવાનો છે.
એશિયામાં મોટાભાગના દેશો પોતાની જરૂરિયાત પ્રમાણે તેલની આયાત કરે છે. વર્તમાનમાં જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તેના કારણે તેલ સપ્લાય પર અસર થઈ રહી છે. આ સંકટમાં એશિયાઈ દેશોમાં કોઈ સમસ્યા ના સર્જાય અને ઈંધણના ભાવ ભૂતકાળની જેમ જળવાઈ રહે તે માટે જાપાને આ યોજના બનાવી છે. આ પ્લાન ભારત માટે અતિમહત્વપૂર્ણ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું આશરે 90 ટકા ક્રૂડ ઓઈલ વિદેશમાંથી આયાત કરે છે. જો એશિયાઈ દેશો વચ્ચે જાપાનના પ્રસ્તાવ મુજબનું આવું મજબૂત ઊર્જા સુરક્ષા કવચ તૈયાર થાય, તો ભવિષ્યમાં કોઈપણ વૈશ્વિક સંકટ કે યુદ્ધના સમયે પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય! કારણ કે, આ પ્રસ્તાવના કારણે ભારતને કટોકટીની સ્થિતિમાં પણ ક્રૂડ ઓઈલ મળતું રહેશે.






