ગરીબ કલ્યાણ પાર્ટીની આડમાં આચરવામાં આવેલા રૂ. 206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં પકડાયેલા તેના રાષ્ટ્રીય અધ્યક્ષની નીરજ કુમાર ક્ષત્રિયને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.બી. પરમારે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ કલ્યાણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજકુમાર ક્ષત્રિય વિરુદ્ધ સરકારી તિજોરીને આશરે રૂ. 62 કરોડનું આ થકી નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
ગરીબ કલ્યાણ પાર્ટીની આડમાં આચરવામાં આવેલા રૂ. 206 કરોડના કૌભાંડમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજકુમાર ક્ષત્રિયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં સરકારીપક્ષ તરફથી રિમાન્ડ અરજીમાં રજૂઆત કરતા જણાવાયું હતું કે, પક્ષની સ્થાપના ખરેખર રાજકીય પ્રવૃત્તિ માટે થઈ હતી કે માત્ર બોગસ ડોનેશન દ્વારા કમિશન મેળવવા માટે થઈ તેની પૂછપરછ કરવાની છે, દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આટલી મોટી રકમ કયા કયા કરદાતાઓ પાસેથી અને કોના મારફતે મેળવવામાં આવી તેની યાદી અને વિગતો મેળવવાની છે, શેલ કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા ખોટા બિલો, વાઉચરો અને ડિજિટલ પુરાવાઓ કબજે કરી ફોરેન્સિક તપાસ કરાવવાની છે.
આ કૌભાંડના અંતિમ લાભાર્થીઓ કોણ છે અને આ નાણાંમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકતો ખરીદી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવાની છે, ગરીબ કલ્યાણ પાર્ટીનું રજીસ્ટ્રેશન કરવા માટે આરોપીઓએ કયા સમયે, કોની સાથે અને કઈ રીતે આયોજન કર્યું હતું તથા આ સમગ્ર કૌભાંડની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની જરૂર છે. સરકારીપક્ષની રજૂઆત ધ્યાને લઈ કોર્ટે આરોપી નીરજકુમાર ક્ષત્રિયના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.પક્ષના બેંક ખાતાઓ ખોલાવવા, તેનું સંચાલન કરવા, ચેક પર સહી કરવા અને નાણાકીય વ્યવહારો અંગે નિર્ણયો લેવાની સત્તા કોને-કોને આપવામાં આવી હતી ?
નાણાકીય વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન પક્ષના ખાતામાં જમા થયેલ કુલ રૂ. 206,76,33,643/- ની જંગી રકમ કયા-કયા કરદાતાઓ પાસેથી, કયા માધ્યમથી અને કોના કહેવાથી મેળવવામાં આવી હતી?આ પેઢીઓ દ્વારા માલસામાન કે સેવાઓ પૂરી પાડવામાં આવ્યાના જે બોગસ બિલો, વાઉચરો અને ઇન્વોઈસ તૈયાર કરવામાં આવ્યા હતા, તે કયા સ્થળે અને કોણે બનાવ્યા હતા ?, શેલ કંપનીઓના બેંક ખાતામાંથી રોકડ સ્વરૂપે નાણાં કોણે, કઈ તારીખે અને કઈ બેંકમાંથી ઉપાડ્યા હતા તથા તે રોકડ કોને સોંપવામાં આવતી હતી ?, મુખ્ય આરોપી સાથે અભિષેક તિવારી અને પ્રદીપસિંહ પરિહાર ક્યારથી સંપર્કમાં આવ્યા તથા તેમની વચ્ચે થયેલી મિટિંગો અને ડિજિટલ વાતચીત અંગે સંકલન તપાસવાનું છે., આ કરોડોના વ્યવહારોમાંથી આરોપીઓએ વ્યક્તિગત રીતે કેટલા નાણાં મેળવ્યા છે અને તેમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકતો ખરીદી છે કે કેમ ?, આરોપીના મોબાઈલ ફોન, સિમકાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર તથા અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી ફોરેન્સિક તપાસ કરાવીને, કોલ ડિટેઈલ અને ડોનેશન લિસ્ટ કબજે કરવાના છે.





