અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક કરશે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટ દરમિયાન થશે. બેઠકમાં ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.
આ બેઠકની તુલના 1945ના યાલ્ટા સંમેલન સાથે કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન ક્રિમિયાના યાલ્ટામાં મળ્યા હતા. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપની વ્યવસ્થા અને જર્મનીના ભવિષ્ય અંગે નિર્ણયો લેવાયા હતા. હવે પહેલીવાર આજના સમયની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના વર્તમાન નેતાઓ એકસાથે બેઠક કરશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા એશિયા-પ્રશાંત ક્ષેત્રનો મહત્વપૂર્ણ ભાગ છે. તે આ વિસ્તારના દેશો સાથે મળીને કામ કરવા માંગે છે. ચીનના શેનઝેનમાં APEC શિખર સંમેલનમાં બોલતા પુતિને કહ્યું કે રશિયા આ ક્ષેત્રના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યું છે.તેમણે કહ્યું કે રશિયા વિશ્વના અન્ય દેશો સાથે પોતાના સંબંધો જાળવી રાખવા માંગે છે અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે.પુતિને કહ્યું કે રશિયા એશિયા-પ્રશાંત દેશોને મોટા પ્રમાણમાં અનાજ અને ખાતર પૂરું પાડે છે. તે આ દેશો સાથે AI અને અન્ય નવી ટેક્નોલોજી સંબંધિત માહિતી પણ વહેંચવા માટે તૈયાર છે. તેમણે APECના સંયુક્ત નિવેદનને પણ સમર્થન આપ્યું.
ટ્રમ્પે કહ્યું કે AIનો વધતો ઉપયોગ સારી વાત છે. તેના પર એવા નિયમો લાદવા જોઈએ નહીં, જેનાથી તેનો વિકાસ અટકી જાય.ટ્રમ્પ ઈચ્છે છે કે AI કંપનીઓ પર સરકારી પ્રતિબંધો ઓછા રહે, જેથી આ ટેક્નોલોજી ઝડપથી આગળ વધી શકે. જોકે, AIના ખોટા ઉપયોગ અને તેનાથી થતા નુકસાનને લઈને દુનિયાભરમાં ચિંતા વધી રહી છે.




