રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ અનેક દેશોની દરમિયાનગિરી પછી પણ હજુ અટક્યું નથી. તેવા સમયે ભારતના પ્રયાસથી આ યુદ્ધનો અંત આવી શકે તેવી શકયતા છે. જેમાં ભારતે બે દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા પ્રયાસ શરૂ કર્યા છે. તેમજ યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ ભારતની યુદ્ધવિરામની દરખાસ્તને અમેરિકા, તુર્કીયે અને ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની સરખામણીમાં સૌથી વધુ પ્રભાવશાળી ગણાવી છે.
ભારતના આ પ્રસ્તાવમાં માત્ર હુમલા રોકવાની જ વાત નથી પરંતુ સંઘર્ષ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર સૌપ્રથમ સર્વસંમતિ સાધવાનો પ્રયાસ પણ છે. આ મુદ્દાઓમાં ઊર્જા માળખાગત સુવિધાઓ પરના હુમલા અટકાવવા, નાગરિકોને નિશાન ન બનાવવા અને કાળા સમુદ્રમાં સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ ત્યારબાદ કાયમી શાંતિ તરફ આગળ વધવાની વાત કરે છે. જોકે, પ્રસ્તાવની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ભારતના પ્રસ્તાવને બે તબક્કામાં સમજીએ તો પ્રથમ તબક્કામાં એવા મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે જેના પર તાત્કાલિક પગલાં લઈ શકાય તેમ છે. ત્યારબાદ, બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા અંગેની ચર્ચાઓને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
યુક્રેનના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકા, તુર્કી અને ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોની સરખામણીમાં ભારતનો પ્રસ્તાવ સૌથી વધુ પ્રભાવશાળી છે. જોકે, તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.આ તબક્કે તેને શાંતિ માટેની અંતિમ યોજના ગણાવવી ઉતાવળભર્યું ગણાશે.





