અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં ફરી એકવાર ટેરિફનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા સુધીનો નવો ટેરિફ લાદવાની દરખાસ્ત રજૂ કરતાં ભારતના વેપાર જગતમાં ચિંતા ઊભી થઈ છે. જોકે, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થાય તો આ ટેરિફનો દર ઘટાડીને 17 ટકા કરવામાં આવી શકે છે. અમેરિકાના આ પ્રસ્તાવ અંગે ભારત સરકારે સત્તાવાર પ્રતિક્રિયા આપતાં સમગ્ર મામલે સંજ્ઞાન લીધું હોવાનું અને તેની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
ભારતના વાણિજ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના વેપાર પ્રતિનિધિ (USTR) દ્વારા ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ હાથ ધરાયેલી તપાસના નિર્ધારણ અને ટિપ્પણી માટેની નોટિસ ભારતે ધ્યાનમાં લીધી છે. ભારતે આ તપાસની સમગ્ર પ્રક્રિયામાં રચનાત્મક રીતે ભાગ લીધો છે અને અમેરિકાની રજૂઆતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.મંત્રાલયે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ભારતના કોઈપણ ક્ષેત્રમાં માળખાકીય વધારાની ઉત્પાદન ક્ષમતા નથી. વેપાર સંબંધિત તમામ ચિંતાઓનો ઉકેલ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના માળખામાં જ લાવવો જોઈએ.
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયના મતે ભારતની કેટલીક વેપાર નીતિઓ અમેરિકાના વાણિજ્ય અને ઉદ્યોગો પર ભારણ ઊભું કરે છે. આ કારણોસર કલમ 301(બી) હેઠળ કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આઠ મહિના સુધી ચાલેલી તપાસમાં 16 વેપારી ભાગીદારોની ઉત્પાદન નીતિઓ અને અમેરિકાના ઉદ્યોગો પર તેની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 અર્થતંત્રો પર નવા શુલ્કની દરખાસ્તમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.અમેરિકાએ કેટલીક ચીજવસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાની અને અગાઉના કલમ 301 હેઠળના શુલ્કમાં ઘટાડો કરવાની દરખાસ્ત સાથે ભારતીય માલસામાન પર 25 ટકા સુધીનો ટેરિફ સૂચવ્યો છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થાય તો આ દર ઘટીને 17 ટકા થઈ શકે છે.




