પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કુલ 20,000 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબીનેટના દેશના વિકાસને વેગ આપવાના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, કેબિનેટે પાંચ મુખ્ય યોજનાઓને મંજૂરી આપી છે. તેમાં ‘કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ’ એટલે કે બાંધકામ અને માળખાકીય સાધનોના ઉત્પાદન ઇકોસિસ્ટમ માટેની એક યોજનાનો સમાવેશ થાય છે. જેની માટે રૂપિયા 11,000 કરોડની મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુના કામરાજાર પોર્ટ પર બીજું કન્ટેનર ટર્મિનલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 4288 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કેબિનેટમાં આસામના સિલચરના ડોલુ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ એરપોર્ટના નિર્માણ પાછળ રૂપિયા 2,014 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ્સ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે. આનાથી રોજગારીની નવી તકો ઊભી થવાની પણ અપેક્ષા છે.
આ ઉપરાંત પોસ્ટ વિભાગ માટે બે મહત્વની યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. પોસ્ટલ ઓપરેશન સ્કીમ માટે રૂ. 1,141 કરોડની રકમ ફાળવવામાં આવી છે. જ્યારે એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ માટે 1,491 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાઓ પોસ્ટલ વિભાગની કામગીરી સુધારવામાં મદદ કરશે





