તળાજામાં રહેતા શિક્ષિત બેરોજગારને સચિવાલય ગાંધીનગર ખાતે નોકરી અપાવવાના બહાને ગાંધીનગરમાં એક મળી છ શખ્સોએ રૂપિયા ચાર લાખ ખંખેરી લેતા યુવકે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્ય યુવકોને પણ આ ટોળકીએ ખંખેર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાસે રહેતા અને ખેતી કામ કરતા મનીષભાઈ નાનજીભાઈ જાનીએ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે, તેઓ ભાવનગર આવ્યા હતા ત્યારે તેમના મિત્ર જીગ્નેશભાઈ લાલજીભાઈ જાની રહે. માખણીયા, હાલ ભાવનગર વાળા સાથે મુલાકાત થતા તેમણે કરેલ કે તમારે સચિવાલય ગાંધીનગર ખાતે ક્લાર્ક લની નોકરી જાેઈતી હોય તો મારા બનેવી દિપકભાઈ રમેશભાઈ પંડ્યા રહે. તળાજા રોડ ભાવનગરવાળા તમને નોકરી અપાવી દેશે જેના બદલામાં રૂપિયા ૧૦ લાખ ચૂકવવા પડશે તેમ વાત થતા પોતે નોકરી મેળવવા તૈયાર થયા હતા. ત્યારબાદ મનીષભાઈ ને ગાંધીનગર લઈ જઈ અમદાવાદમાં રહેતા અનિલભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી અને અનિલભાઈ ઇડીના અધિકારી હોવાની ઓળખ આપેલ અને તેમને ત્રણ લોકોના એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવતા નોકરી મળી જશે તેવો વિશ્વાસ થયો હતો.
આથી તેમણે નોકરી માટે કાર્યવાહી કરવાનું કહેતા અનિલભાઈએ થોડા દિવસ પછી ગાંધીનગર બોલાવી પરિવાર કલ્યાણ વિભાગમાં સેવક તરીકેનો એરપોર્ટમેન્ટ લેટર આપ્યો હતો થોડા દિવસમાં હાજર કરાવી દઈશ એમ કહેતા મનીષભાઈ જાનીએ રૂ.૪ રોકડા ચૂકવ્યા હતા.
રોકડ રકમની ચુકવણી કર્યા બાદ દિવસો પસાર થવા છતાં તેમણે નોકરીમાં હાજર કરવામાં ન આવતા મનીષભાઈએ પૂછપરછ કરતા આ જગ્યા ભરાઈ ગઈ હોવાનું જણાવી અન્ય પોસ્ટ માટે સી.ટી.પી. ની પરીક્ષા લઈ તેમાં તેમનું ફાઇનલ કરાવી દઈશું તેવી બાંહેધરી આપી હતી.જાે કે તેમાં કંઈ ન થતા જીગ્નેશભાઈએ તેને પોસ્ટ ખાતામાં નોકરીની ઓફર કરી દિલ્હી બોલાવ્યા હતા.
આ સમગ્ર ઘટનાચક્રને દોઢ બે માસ જેવો સમય છવા છતાં નોકરી નહિ મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જણાતા તેમણે આપેલ રૂ. ૪ લાખ પરત માંગ્યા હતા, જે પૈકી એક એક લાખ રૂપિયા પરત કર્યા હતા જ્યારે બાકીની રકમ પરત નહીં કરતા મનીષભાઈએ તેમના મિત્ર જીગ્નેશભાઈ લાલજીભાઈ જાની, તેના બનેવી દિપકભાઈ રમેશભાઈ પંડ્યા, અનિલભાઈ પટેલ રહે. અમદાવાદ, ઉમેશભાઈ પટેલ લલિતભાઈ પટેલ અને મયુરભાઈ ગાંધીનગરવાળા વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે તમામ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.