એસ.ટી.ના કર્મચારીઓની વિવિધ ૧૨ માંગણીઓ બાબતે સરકારે લેખિત સમાધાન કર્યું હોવા છતાં અમલવારી નહિ થયાનું જણાવી એસ.ટી.ના કર્મચારીઓએ આંદોલન છેડયું છે. ભાવનગર એસ.ટી.ના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી રિશેષ સમયમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જાે પ્રશ્નનો નિવેડો નહીં આવે તો શુક્રવારની શરૂ રાતથી કર્મચારીઓ એસ.ટી. બસોના પૈડાં થંભાવી અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર ઉતરી જશે.
૧૬મીથી આંદોલનના મંડાણ કર્યા છે. આંદોલનના ભાગરૂપે એસ.ટી.ના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી રિશેષ સમયમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ ૨૦મી સુધી ચાલશે. ત્યારબાદ ૨૧મી અને ૨૨મીના રોજ ઘંટનાદનો કાર્યક્રમ યોજશે અને તા.૨૨-૯ની મધરાત્રિ ૦૦-૦૦ (તા.૨૩-૯ને શુક્રવાર)થી તમામ કર્મચારી બસના પૈડાં થંભાવી દઈ માસ સી.એલ. પર ઉતરી જશે.