ભાવનગરમાં સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં મુખ્ય આરોપી વલીમહમ્મદ હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત થયેલા વલી હાલારીએ નિવેદન નોંધતી વખતે સી.જી.એસ.ટીના ઇન્સ્પેક્ટર અને સાથી કર્મચારીઓને ધમકી આપ્યાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઇ છે. દરમિયાનમાં સીજીએસટીના કબ્જામાં રહેલ વલી હાલારીને આજે રિમાન્ડની માંગ સાથે સીજીએસટી વિભાગે કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ગત જુલાઈ માસમાં નવાપરા વિસ્તારમાં બોગસ બિલ્ડીંગ અંગે તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી. ટીમ ઉપર હુમલાની ઘટનામાં મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઈ હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ તે જામીન મુક્ત થતા સી.જી.એસ.ટી. ટીમે તેને કસ્ટડીમાં લઈને તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન વલી હાલારીએ સી.જી.એસ.ટી.ના ઇન્સ્પેક્ટર અભયસિંઘ રણવીરસિંઘ સિંઘ અને સાથે કર્મચારીઓને ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દઈશ અને હું ભલે જેલમાં જઇશ, તમને પણ સાથે જેલમાં લઈ જઈશ તેમજ તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગે સી.જી.એસ.ટી.ના ઇન્સ્પેક્ટર અભયસિંઘ સિંઘે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે રાત્રિના સમયે સી.જી.એસ.ટી. ટીમે માર માર્યાના આક્ષેપ સાથે વલી હાલારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેણે સી.જી.એસ.ટી ટીમે માર મારી મોટી રકમની માંગણી કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ સામે સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટરે તેણે સ્ટેટમેન્ટ નોંધાવતી વખતે અવારનવાર ધમકી આપી હોવાની સામી ફરિયાદ નોંધાવી હતી.