તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે એક અજાણ્યા શખ્સ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જ્વલનશીલ સામગ્રીથી ભરેલી બોટલ ફેંક્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટના બાદ ભાજપના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પાર્ટી ઓફિસ પર હુમલાની માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે ભાજપના કાર્યકર નંદકુમારે કહ્યું કે, અમારી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ જ રીતે આતંકી હુમલાઓ થાય છે. અનેક જગ્યાઓ પર પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ જ પ્રદેશમાં છે.
ઘટનાસ્થળની આસપાસમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજમાં રસ્તાની વિરૂદ્ધ દિશાએથી એક બોટલ ઓફિસમાં આવતી નજરે પડી. જોકે, જ્વલનશીલ બોટલ કોણે ફેંકી તે ઘટના કેમેરામાં કવર ના થઇ શકી. કાતુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. લતા અને ટીમ પાર્ટી ઓફિસે પહોંચ્યા અને પેટ્રોલ ભરેલી બોટલ ચેક કરી. પોલીસના જણાવ્યા અનુસાર, બોટલમાં આગ નહોતી લગાવવામાં આવી. આ ઘટના સમયે બે લોકો પાર્ટી ઓફિસની સામે ઊભા હતા. હાલ પાર્ટી ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઘટનાની જાણ થતા જ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યાલય સામે એકત્ર થયા હતા. તેઓએ આ ઘટનાની નિંદા કરતા ગાંધીપુરમમાં રોડ બ્લોક કરી દીધો હતો.