ગઈકાલે ગુરુવારે ગુજરાતની 14મી વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ હતો. વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. CAGના અહેવાલમાં સરકાર અને GPCBની ટીકા કરાઇ છે. પ્રદૂષિત હવાની ચકાસણીનું યોગ્ય તંત્ર ન ગોઠવવા બદલ GPCBની એ ટીકા કરી હતી. GPCB તંત્ર માત્ર 14 શહેરના 82 મથકો ખાતે આસપાસની હવાની જ દેખરેખ રાખતી હોવાનો ઘટસ્ફોટ CAGના રિપોર્ટમાં થયો છે. અન્ય શહેરો,ઔદ્યોગિક,ખાણકામના વિસ્તારોની દેખરેખ થતી નથી એટલે ત્યાં પ્રદૂષણ પર કોઈ કંટ્રોલ રાખવામાં ન આવતો હોવાનું જણાઈ આવે છે.
આ ઉપરાંત GPCBમાં મહેકમ વધારવાની બદલે 223 જગ્યા નાબૂદ કરી દેવામાં આવી છે. GPCBમાં વર્ષ 2008થી 105 જગ્યા ખાલી છે. ખાલી પડેલી જગ્યામાં 17 ટકા જગ્યા પર્યાવરણ ઈજનેર અને વૈજ્ઞાનિકોની છતાં પણ GPCB તેણે ભરવામાં કોઈ પગલા ન લેતું હોવાનું પણ CAGના રિપોર્ટ ખૂલ્યું છે.
બીજી તરફ રાજ્યના સૌથી પ્રદૂષિત વિસ્તાર વાપીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું પણ રિપોર્ટમાં ખૂલ્યું છે. પણ ચિંતાની વાત એ છે કે વડોદરા હાલ રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. વાપીમાં પ્રદૂષણનો સૂચકાંક 88.09થી ઘટી 79.95 થયો છે. વડોદરાનો પ્રદૂષણનો સૂચકાંક 2009માં 66.91 હતો જે વધીને 2018માં 89.09 થયો છે. રાજકોટ શહેરમાં પણ પ્રદૂષણનો સૂચકઆંક 66.76થી વધી 70.62 થયો છે. વાપી, અંકલેશ્વર, વટવા-નારોલ, નરોડા-ઓઢવમાં પ્રદૂષણ ઘટ્યું છે.