પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ બાદ હવે ઐતિહાસિક પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી કાજે બલિદાન આપનાર વીર મેઘમાયાનુ નામ રાષ્ટ્ર લેવલે ગુંજતું થશે. કેન્દ્ર સરકારના ટપાલ વિભાગ દ્વારા વીર મેઘમાયાની સ્મૃતિમાં તેમના ફોટા સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેનાથી સમગ્ર પાટણ જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નો થકી ઐતિહાસિક પાટણ શહેરની પ્રસિદ્ધ રાણીની વાવને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ મોનુમેન્ટ સાઇટમાં સમાવેશ કરાયા બાદ ભારતની રૂપિયા ૧૦૦ની ચલણી નોટમાં રાણીનીવાવ અંકિત કરી પાટણને ગૌરવ બક્ષ્યા બાદ પાટણના ભવ્ય ઇતિહાસ સાથે જોડાયેલ અમરપાત્ર અને સમગ્ર માનવજાત માટે જનહિતાર્થે પાણી માટે પોતાના દેહનું બલિદાન આપનાર વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકારે “બલિદાની સંત વીર મેઘમાયા” ટપાલ ટિકિટ બહાર પાડવાનો ઐતિહાસિક નિર્ણય કરતા પાટણને વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે.