અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેઓ ન્યૂરોમસ્ક્યુલર નામની બીમારી સામે લડી રહ્યા હતા. જેના કારણે તેમને બોલવામાં મુશ્કેલી થતી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની બગડતી તબિયતને કારણે તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. અરુણ બાલીએ પોતાની કારકિર્દીમાં શાહરૂખ ખાનથી લઈને અક્ષય કુમાર અને સુશાંત સિંહ રાજપૂત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેમણે 90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અરુણ બાલીએ રાજુ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, ફૂલ ઔર અંગારે, આ ગલે લગ જા, પોલીસવાલા ગુંડા, સબસે બડા ખિલાડી, સત્યા, હે રામ, ઓમ જય જગદીશ, લગે રહો મુન્ના ભાઈ, બરફી, એરલિફ્ટ, રેડી, બાગી 2 અને કેદારનાક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હતી.
અરુણ બાલીએ ટીવીમાં પોતાના અલગ-અલગ પાત્રોથી ઘણું નામ કમાવ્યું હતું. તેમણે ‘નીમ કા પેડ’, ‘દસ્તુર’, ‘ચાણક્ય’, ‘દેખ ભાઈ દેખ’, ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’, ‘સ્વાભિમાન’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુમકુમ – એક પ્યારા સા બંધન’, ‘વો રહેને વાલી મહેલ કી’ અને ‘દેવોં કે દેવ મહાદેવ’ જેવી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું.