શહેરના ઉત્તરકૃષ્ણનગર વોર્ડના જાેગીવાડની ટાંકી નજીક ડો.લાખાણી સામે મ્યુ. હસ્તકની શાકમાર્કેટની દિવાલે ઘણા સમયથી ગેરકાયદે લારી-ગલ્લા ખડકાતા વાહન વ્યવહાર, રાહદારીઓ પરેશાન હતાં. આ મામલે આખરે આજે મ્યુ. દબાણ હટાવ સેલે દોડી જઇ દબાણો દુર કર્યાં હતાં. જ્યારે એક કેબીન અને બે લારી જપ્ત લીધી હતી.
કોર્પોરેશનની શાકમાર્કેટની દિવાલે ગેરકાયદે રીતે અડીંગો જમાવી ખાણીપીણી તથા ગેરેજ વિગેરેના ધંધાર્થીએ જમેલો કર્યો હતો આથી વાહન વ્યવહાર અને રાહદારીઓને અડચણ થતી હતી. સ્થાનિકો પણ આ દબાણથી ત્રસ્ત હતાં. આખરે મ્યુ. તંત્રએ આજે જેસીબી સાથે દોડી જઇ દબાણો દુર કર્યાં હતાં. કોર્પોરેશનની કામગીરી અટકાવવા એક પૂર્વ નગરસેવક દોડી ગયા હતાં તેમના કહેવા મુજબ આ કાર્યવાહીથી દબાણકર્તા નાના વેપારીઓમાં રોષ છે. જાે કે, રાહદારીઓ અને વાહન ચાલકોને કોર્પોરેશનથી કામગીરીથી રાહત થયાનું પણ જાણવા મળ્યું છે. દબાણ હટાવ સેલના વડા અજીતસિંહ સોલંકી, બુધેશભાઇ ધાંધલ્યા, ઇલ્યાસભાઇ બેલીમ તથા સ્ટાફે દબાણ હટાવની કામગીરી પાર પાડી હતી.