ભાવનગરના હાઇકોર્ટ રોડ પર આવેલ ઝેરોક્ષના વેપારી ઉપર બાજુમાં આવેલી ઝેરોક્ષની દુકાનના વેપારી અને તેના પુત્રોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના હાઇકોર્ટ રોડ પર આવેલ અનુપમ ઝેરોક્ષ નામની દુકાન ધરાવતા સલીમભાઈ બોરડીવાલા તેમના ગ્રાહકોને એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ કરતા ઓછા ભાવે ઝેરોક્ષ કાઢી આપતા હોય,બાજુમાં આવેલ રીગલ ઝેરોક્ષના માલિક અસલમભાઈ ખાલીદભાઈ કાલવાએ એસોસિએશનમાં રજુઆત કરતા એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ પટેલ, અબ્દુલભાઇ, કલ્પેશભાઈ, અશરફભાઈ સહિતના અનુપમ ઝેરોક્ષવાળા સલીમભાઈને સમજાવવા આવ્યા હતા ત્યારે અસલમભાઈ વચ્ચે બોલતા સલીમભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને સલીમભાઈ તેમજ તેમના દીકરા સરફરાઝ,અખ્તર અને સરફરાજના દીકરાએ અસલમભાઈ ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત અસલમભાઈને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે અસલમભાઈએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.