કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
મળતી જાણકારી અનુસાર મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટ ડ્રગ્સ કેસના મામલે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જામીન પર બહાર છે. પણ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.
NCB એ 2020માં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી અને સાથે એમના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ સમયે 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે એનસીબીએ દાવો કર્યો હતો કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ પૂછપરછ દરમિયાન ગાંજાનું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું અને આ પછી ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંને જામીન પર બહાર આવ્યા હતા.