પ્રશ્નોરા સત્સંગ મંડળ દ્વારા આયોજિત અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ભાવનગર ખાતે સમસ્ત પ્રશ્નોરા નાગર જ્ઞાતિની મહિલાઓનું સર્વપ્રથમ રાષ્ટ્રીય મહા સંમેલન આગામી તા.૧૩.૧૧ ને રવિવારના સવારે ૧૦ થી ૩ દરમ્યાન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે, જેમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહુવા, સિહોર, બોટાદ, આણંદ, ધોળકા,ભરૂચ,વલસાડ અને ભુજ વિગેરે શહેરોમાંથી આશરે ૪૦૦ જેટલી બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
કોરોના કાળમાં આ બહેનો દ્વારા ઓનલાઇન ગ્રુપ બનાવી વિવિધ ધાર્મિક પ્રસંગો, તહેવારો અને અગિયારસ નિમિત્તે ભજનો અને પોતાની કૃતિ રેકોર્ડ કરી આ ગ્રુપમાં મૂકવામાં આવેલ અને આ રીતે સતત સંપર્કમાં રહી સત્સંગ મંડળની બહેનો દ્વારા આ મહા સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમૂહ ગોરણીનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે ૩૫૦ ગોરણીઓની નોંધણી થઇ ચુકી છે. ભવિષ્યમાં આના કરતાં પણ મોટા પાયે અનેક કાર્યક્રમો કરવાનું આયોજન મંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવશે તેવું આયોજકોની યાદીમાં જણાવેલ છે.