છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો આજે અંત આવ્યો છે. આજે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. કમિશને સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું છે.
ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી છે.પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે.આ પછી 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે અમે મોરબીની ઘટનાના પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરવા માંગીએ છીએ. અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે કહ્યું કે ગુજરાતમાં 4.91 કરોડ મતદારો છે, જેમાંથી 4.61 લાખ નવા મતદારો છે. તેમાંથી 9.87 લાખ મતદારો 80 વર્ષથી વધુ વયના છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.





