ભારત અને પાકિસ્તાને ટી20 વિશ્વકપ 2022ના ગ્રુપ-2માંથી સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. ભારત અને પાકિસ્તાનના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ સંયોગ તે તરફ ઇશારો કરી રહ્યો છે કે 2011ની જેમ ભારત ફરી ચેમ્પિયન બની શકે છે. ભારત જે ઘટનાક્રમની સાથે ટી20 વિશ્વકપ 2022ના અંતિમ-4માં પહોંચ્યું છે, તે ઘટનાક્રમની સાથે તે 2011 વર્લ્ડકપના સેમીફાઇનલમાં પહોંચ્યું હતું અને ટ્રોફી જીતી હતી.
નેધરલેન્ડે પોતાના અંતિમ ગ્રુપ મુકાબલામાં સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવીને બહાર કર્યું, તો ભારતીય ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્યારબાદ પાકિસ્તાને અંતિમ ગ્રુપ ગેમમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી સેમીફાઇનલમાં એન્ટ્રી કરી. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ઝિમ્બાબ્વેને 71 રને હરાવી ગ્રુપ-2માં ટોપ પર રહેતા સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 5માંથી 4 મેચ જીતી જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની નેટ રનરેટ +1.319 ની રહી અને તેના 8 પોઈન્ટ રહ્યાં છે. પાકિસ્તાને 5 મેચમાં ત્રણ જીતી અને બે મેચમાં હારનો સામનો કર્યો હતો. ટીમની નેટ રનરેટ +1.028 ની રહી અને તેના ખાતામાં 6 પોઈન્ટ હતા.
ટી20 વિશ્વકપના ઈતિહાસમાં ભારતીય ટીમે ચોથીવાર સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત આ પહેલા 2007, 2014 અને 2016ના સેમીફાઇનલમાં પહોંચ્યું હતું. ભારત સિવાય પાકિસ્તાને છઠ્ઠીવાર સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. પાકિસ્તાન ટી20 વિશ્વકપના ઈતિહાસમાં અન્ય ટીમના મુકાબલે સૌથી વધુ વખત સેમીફાઇનલમાં પહોંચી છે.
જે વસ્તુ 2011ના વિશ્વકપમાં થઈ હતી, તે વસ્તુ ટી20 વિશ્વકપ 2022માં અત્યાર સુધી જોવા મળી છે. તેની શરૂઆત સાઉથ આફ્રિકા સામે હારથી થઈ. ભારત 2011 વિશ્વકપમાં આફ્રિકા સામે હારી ગયું હતું અને ટી20 વિશ્વકપ 2022માં પણ તેણે આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. 2011ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી હતી. આ વખતે પણ આયર્લેન્ડે ઈંગ્લેન્ડને પાંચ રને પરાજય આપ્યો હતો. ટી20 વિશ્વકપ 2022માં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. 2011ના વિશ્વકપમાં પણ આ બંને ટીમો સેમીફાઇનલમાં પહોંચી નહોતી. 2011ના વિશ્વકપમાં પણ ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ ટોપ-4 ટીમમાં પહોંચી હતી અને હવે ટી20 વિશ્વકપ 2022માં પણ આ ત્રણેય ટીમો સેમીફાઇનલમાં પહોંચી છે.
સેમીફાઇનલમાં હવે પાકિસ્તાનનો સામનો ન્યૂઝીલેન્ડ સામે છે. જ્યારે ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલ 9 નવેમ્બર, બુધવારે સિડનીમાં રમાશે. તો બીજી સેમીફાઇનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવાર, 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે.