દેશમાં રાષ્ટ્રગીત તરીકે જન ગણ મનને મળેલી માન્યતા તથા વંદે માતરમ અંગે કેટલાક વર્ગ દ્વારા સર્જાતા વિવાદ વચ્ચે આજે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ વલણમાં જણાવ્યું હતું કે જન ગણ મન અને વંદેમાતરમ બંનેનો દરજ્જો બરાબરનો છે અને બંનેનું સન્માન થવું જોઇએ.
દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એક સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું જેમાં સ્પષ્ટ જણાવાયું કે જન ગણ મનને જે રીતે રાષ્ટ્રગાનનો દરજ્જો છે તેવો જ દરજ્જો વંદે માતરમનો છે. અને નાગરિકોએ બંનેને સમાન સન્માન આપવું જોઇએ. હાઈકોર્ટમાં દાખલ થયેલી એક અરજીમાં બંને ગીતો અંગેના ભેદભાવ ખત્મ કરવાની માગણી કરવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સંવિધાન સભામાં તા. 24 જાન્યુઆરી 1950ના જે પ્રસ્તાવ પસાર કરાયો તેમાં પણ બંનેને સમાન દરજ્જો આપવાની વાત છે અને આપણી રાષ્ટ્રીયતા પણ એકજ છે અને તે ભારતીય છે અને તેથી તમામ જે રીતે જન ગણ મનને સન્માન આપે છે તે જ રીતે વંદે માતરમને પણ સન્માન આપે તે જરુરી છે.